માંગરોળ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક સનસનાટીપૂર્ણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે રસ્તા પર અકસ્માતો અજાણતા થતા હોય છે, પરંતુ માંગરોળમાં એક યુવકને જાનથી મારી નાખવાના ઇરાદે અકસ્માતનું ગંદુ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકને આરોપીઓના પરિવારના ભાણેજ સાથે વાતચીત થતી હતી. આ વાતચીત આરોપીઓને પસંદ ન હોવાથી બંને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે મનદુઃખ અને કડવાશ ચાલી રહી હતી.

તક જોઈને કાળ બનીને ધસી આવી કાર

આ મનદુઃખનો બદલો લેવા માટે બે શખ્સોએ હીન પ્લાન બનાવ્યો હતો. યુવક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બંને શખ્સોએ પોતાની કારને હથિયાર બનાવી હતી. તેમણે યુવકને જોઈને પોતાની કારની સ્પીડ વધારી દીધી હતી અને તેને બચવાની તક મળે તે પહેલાં જ ધડાકાભેર કાર તેની ઉપર ચઢાવી દીધી હતી. કારની જોરદાર ટક્કર અને કચડાવાના કારણે યુવક રોડ પર ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં મલ્ટિપલ ફ્રેક્ચર અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને લોહીલુહાણ હાલતમાં મૂકીને બંને નરાધમો કાર લઈને ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા.

માંગરોળ પોલીસ એક્શન મોડમાં, કડક કલમો હેઠળ તપાસ શરૂ

આસપાસના લોકોએ તાત્કાલિક લોહીલુહાણ થઈ ગયેલા યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, આ ભયાનક હુમલાની જાણ થતાં જ માંગરોળ પોલીસ સ્ટેશનનો કાફલો સક્રિય થયો છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને તેના પરિવારના નિવેદનના આધારે હુમલો કરનાર બંને શખ્સો વિરૂદ્ધ આયોજનપૂર્વક હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી લીધો છે. પોલીસ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે અને ફરાર થઈ ગયેલા બંને હુમલાખોરોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને દરોડા શરૂ કર્યા છે.

આ પણ વાંચો: Rajkot: આજીડેમ પોલીસે ત્રંબા ગામે વાડીમાં દરોડો પાડી કબ્જે કર્યા ગાંજાના 37 છોડ