જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના એ ડિવિઝન પોલીસે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને મોટી માત્રામાં પ્રતિબંધિત નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ગુરુવારે મોડી રાત્રે લગભગ 1.25 કલાકે પોલીસે કુંભારવાડા-મિયાણીવાસ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જમાલવાડી વિસ્તારનો રહેવાસી આશીફ ઉર્ફે ભોલુડી અબડા હિંગોરા (ઉ.વ. 19) બાચકામાં નશાકારક કેફ સીરપનો જથ્થો લઈને બેઠેલો મળી આવ્યો હતો.
મધરાતની ડ્રગ્સ ડીલ નિષ્ફળ
પોલીસે બાચકાની તપાસ કરતાં તેમાંથી કુલ 176 બોટલ નશાકારક કોફીનાડીલ ઔષધી મળી આવી હતી, જેની બજારકિંમત ₹31,680 થાય છે. આશીફે પૂછપરછમાં કબૂલ્યું હતું કે તે આ જથ્થો કુંભારવાડાના જ વસીમ ઉર્ફે કાલો હાસમ પલેજાને વેચવા જઈ રહ્યો હતો. એ ડિવિઝન પોલીસે તુરંત જ મુદ્દામાલ જપ્ત કરીને FSL તપાસ માટે મોકલી આપ્યો છે. આશીફ અબડા હિંગોરા અને વસીમ ઉર્ફે કાલો હાસમ પલેજા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













