કચ્છ જિલ્લામાં SSC પરીક્ષાના પ્રથમ જ દિવસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. અંજાર પરીક્ષા કેન્દ્ર ખાતે નવાગામ હાઈસ્કૂલની એક વિદ્યાર્થિનીની અચાનક તબિયત બગડતાં જિલ્લા શિક્ષણાધિકારીની સંવેદનશીલતા ઝળહળી ઊઠી છે. મળતી માહિતી મુજબ પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ વિદ્યાર્થિનીને ચક્કર આવવા લાગ્યા અને તબિયત ખરાબ થઈ.

નવાગામ હાઈસ્કૂલની વિદ્યાર્થિની તબિયત અચાનક બગડી

કેન્દ્ર પર હાજર સ્ટાફ દ્વારા તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. પરિસ્થિતિને ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ જાતે જ દેખરેખ રાખી અને સરકારી વાહનની વ્યવસ્થા કરી વિદ્યાર્થિનીને તાત્કાલિક અંજારની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. હોસ્પિટલમાં જરૂરી સારવાર આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થિનીની તબિયત સ્થિર થઈ. ત્યારબાદ શિક્ષણ વિભાગે માનવતા દર્શાવતા નિર્ણય લીધો અને વિદ્યાર્થિનીનું ભવિષ્ય બગડે નહીં તે માટે તેને ફરી પરીક્ષા આપવાની તક આપી. કેન્દ્ર પર પરત લાવી પરીક્ષા ચાલુ રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

વિદ્યાર્થિનીને વધારાની 30 મિનિટનો સમય આપવામાં આવ્યો

વિદ્યાર્થિનીને પરીક્ષા પૂર્ણ કરવા માટે વધારાની 30 મિનિટનો સમય પણ આપવામાં આવ્યો, જેથી તેની તબિયત બગડવાના કારણે થયેલા સમયના નુકસાનની ભરપાઈ થઈ શકે. જિલ્લા શિક્ષણાધિકારીના આ માનવીય અભિગમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ ઘટના દર્શાવે છે કે શિક્ષણ વ્યવસ્થામાં માત્ર નિયમો જ નહીં, પરંતુ સંવેદના અને સહાનુભૂતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Ahmedabad News: હવે મુસાફરો 48 કલાકમાં ચાર્જ ચૂકવ્યા વિના એર ટિકિટ રદ કરી શકશે