મહેસાણા જિલ્લાની પોક્સો કોર્ટે કડીમાં સગીરા સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં તમામ 6 આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ આરોપીઓ તેમના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેશે. માર્ચ 2025ની આ ઘટનામાં ન્યાયતંત્રએ ખૂબ જ ઝડપી કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય અપાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
માર્ચ 2025માં કડી વિસ્તારમાં એક સગીરાને અલગ-અલગ સ્થળે લઈ જઈ આ નરાધમો દ્વારા ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને કડક ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટમાં રજૂ કરાયા સચોટ પુરાવા
સરકારી વકીલે આ કેસમાં 45 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરી હતી. કોર્ટે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખીને જજ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
દોષિતોની યાદી અને દંડ
કોર્ટે 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.સાદિક જુમ્માભાઈ બાદશાહી (અમદાવાદ),દીક્ષા ચાવડા (અમદાવાદ),ઇમરાન ફિરોજભાઈ મુલતાની (સુરેન્દ્રનગર),અકબર રહેમતભાઈ મુલતાની (સુરેન્દ્રનગર), શાહિલ ઉર્ફે ભોમાભાઈ સુરેશભાઈ શાહ (અમદાવાદ),રાહુલ નટવરલાલ રાવળ (અમદાવાદ),રોનક જગદીશભાઈ ચાવડા (ખેરવા, મહેસાણા)દરેક દોષિતને ₹2.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે પીડિતાને થયેલા માનસિક અને શારીરિક આઘાત બદલ આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: Surat: સગાઈ બાદ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો, બદનામી અને જાનથી મારવાની ધમકી આપી 5 લાખ ખંખેર્યા