સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ ટોળકીએ વેપારી પાસે પહેલા ₹20 લાખની ખંડણી માંગી હતી અને ત્યારબાદ સમાધાનના નામે ₹5 લાખ પડાવી લીધા હતા.
સગાઈ થતા જ ટોળકી ત્રાટકી
મળતી માહિતી મુજબ, વેસુના કાપડ વેપારીની ગત 4 માર્ચના રોજ એક રાજસ્થાની યુવતી સાથે સગાઈ થઈ હતી. સગાઈના થોડા દિવસો બાદ જ હનીટ્રેપ ટોળકીએ વેપારીનો સંપર્ક કર્યો હતો. ટોળકીએ ધમકી આપી હતી કે જો તે સગાઈ નહીં તોડે તો તેના જૂના ફોટા અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે.
પરિવારને જાનથી મારવાની ધમકી
વેપારીને માનસિક રીતે તોડી પાડવા માટે ટોળકીએ માત્ર બદનામી જ નહીં, પણ તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. શરૂઆતમાં ડરી ગયેલા વેપારીએ ટોળકી સાથે રકઝક કરી હતી. ટોળકીએ ₹20 લાખની માંગણી કરી હતી, પરંતુ અંતે ₹5 લાખ આપવાનું નક્કી થતા વેપારીએ નાછૂટકે રકમ ચૂકવી દીધી હતી.
વેસુ પોલીસની તપાસ
વારંવારની હેરાનગતિથી કંટાળીને અંતે વેપારીએ હિંમત ભેગી કરી વેસુ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી, ખંડણી અને ધમકી આપવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીમાં કેટલા સભ્યો છે અને શું તેઓએ શહેરના અન્ય વેપારીઓને પણ આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ.
આ પણ વાંચો: Surat: વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ, ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડથી ખળભળાટ