સુરત પોલીસે વરાછા વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે ગર્ભપાત કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વરાછાની મમતા હોસ્પિટલમાં ચાલતા આ કાળા કારોબારમાં પોલીસે રામગોપાલ નામના ફાર્માસિસ્ટની ધરપકડ કરી છે. આ કૌભાંડના તાર ગુજરાતની સીમાઓ વટાવીને મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલા હોવાનું સામે આવ્યું છે.
6 મહિનામાં ફરી શરૂ કર્યો કારોબાર
ચોંકાવનારી વિગત એ છે કે, રામગોપાલે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ જે સ્થળે અગાઉ હોસ્પિટલ બંધ કરાઈ હતી, ત્યાં જ નવી હોસ્પિટલ શરૂ કરીને ગેરકાયદે ગર્ભપાતનું કામ ફરી શરૂ કરી દીધું હતું. આટલા મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ આ બાબતથી સંપૂર્ણપણે અજાણ હોવાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આંતરરાજ્ય નેટવર્ક અને મોટી ગેંગની શક્યતા
આરોપી રામગોપાલના કારનામા માત્ર સુરત પૂરતા સીમિત નહોતા. તેના કનેક્શન મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને શંકા છે કે ગેરકાયદે ગર્ભપાત અને ભ્રૂણ પરીક્ષણ કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગ આની પાછળ કાર્યરત હોઈ શકે છે. રામગોપાલની પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
પોલીસની કડક કાર્યવાહી
સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને હોસ્પિટલના તમામ રેકોર્ડ અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. હાલમાં રામગોપાલની ધરપકડ બાદ પોલીસ આ કૌભાંડમાં સામેલ અન્ય ડોક્ટરો, એજન્ટો અને મેડિકલ સ્ટાફની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: Surat: બાય ઇન્ડી કંપનીમાં રોકાણ કરાવી પિતા-પુત્રએ આચર્યું 4.76 કરોડનું કૌભાંડ, નિવૃત્ત વ્યક્તિએ આજીવન મૂડી ગુમાવી