સુરત શહેરના સીટીલાઈટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિ સાથે 'બાય ઇન્ડી' (Buy Indy) નામની કંપનીમાં રોકાણ કરાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આરોપી પ્રવીણ દારુકા અને તેના પુત્ર હર્ષ દારુકાએ ભેગા મળીને રોકાણકારોને મોટી લાલચો આપી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
25% નફાની જાળમાં ફસાવ્યા
આરોપી પિતા-પુત્રએ ભોગ બનનાર નિવૃત્ત વૃદ્ધનો સંપર્ક કરી પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે આ રોકાણ પર વાર્ષિક 25% જેટલો મોટો નફો મળશે. નિવૃત્તિ પછીની પોતાની જમાપુંજી સુરક્ષિત રીતે વધશે તેવી આશાએ વૃદ્ધે મોટી રકમનું રોકાણ કર્યું હતું. કુલ મળીને ₹4.76 કરોડની માતબર રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
GSTના બહાને 80 લાખની ઉઘાડી લૂંટ
ઠગાઈની હદ તો ત્યાં આવી કે જ્યારે રોકાણકારે પોતાનો નફો કે મૂળ રકમ પરત માંગી, ત્યારે આરોપીઓએ GST (વસ્તુ અને સેવા કર) ભરવાના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. ટેક્સ ભર્યા પછી જ રકમ છૂટી થશે તેવો વિશ્વાસ અપાવી આરોપીઓએ આ વૃદ્ધ પાસેથી વધુ ₹80 લાખ પડાવી લીધા હતા. અંતે, કોઈ વળતર ન મળતા ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
ઇકો સેલ પોલીસની કાર્યવાહી
આ સમગ્ર મામલે ભોગ બનનારે સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવતા, આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલ (Eco Cell) એ તપાસ સંભાળી છે. પોલીસે પ્રવીણ દારુકા અને હર્ષ દારુકા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: Bharuch: વાગરાના ગંધાર સોલ્ટમાં શેડ ધરાશાયી, શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો