મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પાણીની ટાંકીમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ લીકેજ જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

કડીમાં પાણીની ટાંકીમાં લીકેજ

કડીના છબીલા હનુમાન વિસ્તારમાં અંદાજે રૂ. 1.50 કરોડના માતબર ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીનું લોકાર્પણ હજુ હમણાં જ રાજ્યના મંત્રી પ્રવિણ માળીએ કર્યું હતું. જોકે, લોકાર્પણના ટૂંકા ગાળામાં જ ટાંકીમાંથી પાણી ટપકવાનું શરૂ થતા જનતાના પરસેવાના દોઢ કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

ટેસ્ટિંગ વગર જ લોકાર્પણનો આક્ષેપ

સ્થાનિકો અને વિપક્ષ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, સત્તાધીશો અને અધિકારીઓએ વાહવાહી લૂંટવા માટે ટાંકીનું યોગ્ય ટેસ્ટિંગ કર્યા વગર જ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાવી દીધું હતું. જો ટાંકીનું પૂરું ટેસ્ટિંગ થયું હોત તો આ લીકેજ વહેલું પકડાઈ ગયું હોત. પરંતુ લોકાર્પણની ઉતાવળમાં નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Rajkot: પંચાયત ચોક પાસેથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ