કડી તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક પસાર થતા રોડની સાઈડમાં આવેલા એક ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ જોવા મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની નજર ઝાડ પર લટકતા મૃતદેહ પર પડતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

કલ્યાણપુર નજીક શંકાસ્પદ મૃતદેહ મળ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ અજીતભાઈ નવઘણભાઈ ઠાકોર (ઉંમર વર્ષ ૪૦) છે. અજીતભાઈ શારીરિક રીતે વિકલાંગ હતા. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોએ મૃતદેહની સ્થિતિ જોઈને ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે આ મૃત્યુ સામાન્ય આત્મહત્યા નથી પરંતુ શંકાસ્પદ છે. એક વિકલાંગ વ્યક્તિ કઈ રીતે ઝાડ પર ચડીને ગળેફાંસો ખાઈ શકે તેવા સવાલો ઉભા થતા મામલો ગૂંચવાયો છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો 

ઘટનાની જાણ થતા જ બાવલુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે કડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.એફએસએલ (FSL) ની મદદ લઈને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરાઈ છે.પરિવારના સભ્યોના નિવેદનો નોંધીને અજીતભાઈ છેલ્લા કલાકોમાં કોના સંપર્કમાં હતા તેની તપાસ ચાલી રહી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં બાવલુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો:Junagadh: જિલ્લા જેલમાં કાચા કામના બે કેદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસ ફરિયાદ