જૂનાગઢ જિલ્લા જેલમાં બંધ કાચા કામના બે કેદીઓ વચ્ચે સામાન્ય તકરારમાં મારામારી થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેલના સળિયા પાછળ સુરક્ષિત ગણાતા કેદીઓ અંદરોઅંદર બાખડતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.


જૂનાગઢ જિલ્લા જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી 

મળતી માહિતી મુજબ, જેલની બેરેકની અંદર કેદીઓ લુડો રમી રહ્યા હતા. આ દરમિયાન કાચા કામના કેદી ઘેલા સોલંકીએ અન્ય કેદી સુરેશ સોલંકીને રમત બાબતે કોઈ સલાહ આપી હતી.રમતની સલાહ સુરેશ સોલંકીને ગમી ન હતી અને તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા સુરેશ સોલંકીએ કેદી ઘેલા સોલંકી પર હુમલો કરી તેને માર માર્યો હતો.

અથડામણમાં પોલીસ ફરિયાદ

જેલની અંદર થયેલી આ હિંસક ઘટના બાદ જેલ સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતા. ભોગ બનનાર કેદીની ફરિયાદના આધારે પોલીસે સુરેશ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જેલની અંદર પણ નાની-નાની વાતોમાં કેદીઓ હિંસક બની રહ્યા છે.

આ પણ વાંચો: Junagadh: જૂથળ સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડનું કૌભાંડ, તત્કાલીન મંત્રી વિરુદ્ધ ફરિયાદ

  • Follow us on: