ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા કડી પંથકમાં જમીયતપુરા ગામે અસામાજિક તત્વોએ એક ખેડૂતને નિશાન બનાવ્યો છે. પોતાના ખેતરમાં ઉભેલા પાકને પશુઓથી બચાવવા ગયેલા ખેડૂત પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.

ગાયો ચરાવવા બાબતે ખેડૂત પર હુમલો

મળતી માહિતી મુજબ, જમીયતપુરા ગામના એક ખેડૂતના ખેતરમાં પાક ઉભો હતો. આ દરમિયાન કેટલાક શખ્સો ગાયો ચરાવવા માટે ખેતરમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ખેડૂતે પાક બગડતો હોવાથી ગાયોને બહાર કાઢવા અને અંદર ન લાવવા વિનંતી કરી હતી. આ સાંભળતા જ સામેવાળા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી શરૂ કરી હતી.

બેફામ માર અને ધમકી

શાબ્દિક ટપાટપી બાદ ચાર શખ્સોએ ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ખેડૂતને બેફામ માર મારવામાં આવ્યો હતો અને હુમલાખોરોએ "તને જાનથી મારી નાખીશું" તેવી ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, હુમલાખોરોએ ખેડૂતના ઘરે જઈને ત્યાં હાજર મહિલા સભ્યોને પણ અપશબ્દો અને ભુંડી ગાળો આપી હતી.

તપાસ અને સારવાર

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેડૂતને તાત્કાલિક કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખેડૂત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે બાવલુ પોલીસે ૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે