પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. પાવાગઢ ડુંગર પર દર્શન માટે આવતા યાત્રિકોને પડતી પાર્કિંગની મોટી સમસ્યાનો હવે સુખદ અંત આવ્યો છે. માંચી ખાતે નવનિર્મિત મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગને આજે યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
પાર્કિંગની સમસ્યાનો અંત
અગાઉ જ્યારે યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને માંચી સુધી પહોંચતા હતા, ત્યારે પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર ટ્રાફિક જામ અને વાહનો ક્યાં મૂકવા તેની મથામણ રહેતી હતી. આ સમસ્યાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આ ભવ્ય મલ્ટીલેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.










