મહેસાણાના કડી તાલુકામાં લૂંટારુઓએ માથું ઊંચક્યું છે. કડીના જયદેવપુરા વિસ્તારમાં એક યુવકને જમીન વેચાણ આપવાના બહાને બોલાવી, તેને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લૂંટારુઓ યુવક પાસેથી રોકડ રકમ, સોનાના ઘરેણાં અને મોંઘોદાટ ફોન મળી કુલ 14.90 લાખની મત્તા લૂંટીને નાસી છૂટ્યા છે.

કડી તાલુકામાં લૂંટારુઓએ માથું ઊંચક્યું

મળતી વિગતો અનુસાર, એસ.એન.ઠાકોર નામના શખ્સે ફરિયાદી યુવકને જમીન વેચાણ આપવાની વાત કરી હતી અને જમીન જોવા માટે જયદેવપુરા ગામની સીમમાં બોરની ઓરડી પાસે બોલાવ્યો હતો. યુવક જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ ઓરડી પાછળ સંતાયેલા અન્ય આરોપીઓએ ધસી આવીને તેને પકડી લીધો હતો. લૂંટારુઓએ યુવકના હાથ-પગ બાંધી તેને બંધક બનાવી દીધો હતો.

લૂંટાયેલો મુદ્દામાલ

આરોપીઓએ યુવક પાસેથી રોકડ રકમ રૂ. 5.40 લાખ સોનાની ચેન 5 તોલા (અંદાજિત કિંમત સાથે) મોબાઈલ: રૂ. 2 લાખની કિંમતનો એપલ આઈફોનકુલ લૂંટ: રૂ. 14,90,000 મત્તા લૂંટી હતી.

આરોપીઓના નામ અને પોલીસ તપાસ

આ મામલે યુવકે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એસ.એન.ઠાકોર, દૂધઈના તાલીબ ખોખર અને અન્ય બે અજાણ્યા શખ્સો મળી કુલ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. કડી પોલીસે નાકાબંધી કરી અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Jamnagar: રણજીતસાગર રોડ પર પાણીની પાઈપલાઈન લીકેજ, પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું