વડોદરા જિલ્લાના કરજણ-ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં લાગેલી ભયાનક આગ હજુ પણ શાંત થઈ નથી. 16 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી, જેના કારણે તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.

ત્રણ જિલ્લાની ફાયર ટીમ કામે લાગી

આગની ભયાનકતાને જોતા કરજણ ઉપરાંત વડોદરા અને ભરૂચથી પણ ફાયર ફાઇટરોની ટીમો રાત્રે જ બોલાવી લેવામાં આવી હતી. આખી રાત અને સવાર સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં, પેપર મિલમાં રહેલા જ્વલનશીલ જથ્થાને કારણે આગ સતત ધખતી રહી છે. હાલ મિલની અંદરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, જે દૂર-દૂર સુધી જોઈ શકાય છે.

પાણીની કટોકટી અને મુશ્કેલીઓ

આગ બુઝાવવાની કામગીરીમાં એક મોટી અડચણ સામે આવી છે. આગને કારણે મિલમાં આવેલી બોરવેલની મોટર બળીને ખાખ થઈ ગઈ છે. પરિણામે, ફાયર ફાઇટરોને જરૂરી પાણી મિલના પરિસરમાંથી મળી રહ્યું નથી અને પાણી બહારથી લાવવું પડી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિને કારણે આગ ઓલવવાની પ્રક્રિયા ધીમી પડી રહી છે.

ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર

ઘટનાની ગંભીરતાને પગલે રાત્રિ દરમિયાન જ કરજણના એસ.ડી.એમ. (SDM), મામલતદાર અને ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં અવરોધ ન આવે તે માટે મિલની બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ambaji: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજીના શરણે, ભવ્ય વિજય બદલ માતાજીનો માન્યો આભાર