જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પરીક્ષાના માનસિક બોજ અને ડરના કારણે એક આશાસ્પદ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં રહેતી અને ડિપ્લોમાનો અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
કેશોદમાં વિદ્યાર્થિનીનો આપઘાત
મૃતક વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. નજીકના દિવસોમાં જ તેની પરીક્ષા શરૂ થવાની હતી, જેના કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક દબાણ અનુભવી રહી હતી. જ્યારે પરિવારના સભ્યો નીચેના માળે હાજર હતા, ત્યારે જ સગીરાએ મકાનના ઉપરના રૂમમાં જઈ પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
પરિવાર પર આભ ફાટ્યું
મૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ હતી, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. ભણવામાં હોશિયાર દીકરીના અચાનક આવા પગલાથી હીરા શ્રમિક પિતા અને પરિવાર ભાંગી પડ્યો છે.
પોલીસ કાર્યવાહી
કેશોદ પોલીસને ઘટનાની જાણ થતા જ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના ડર અને અભ્યાસના ભારને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Anand: સોજીત્રાના ગાડા ગામે કૌટુંબિક ભાઈએ જ NRI બહેન સાથે કર્યો વિશ્વાસઘાત, કરોડોની જમીન બારોબાર વેચી મારી