દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ પર ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠી છે. કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આગને કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દુર-દુર સુધી જોઈ શકાતા હતા. આ ઘટનાને પગલે આસપાસના રહીશોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાયો છે. જે કારણે સ્થાનિક લોકોએ શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યાની ફરિયાદ કરી છે.
ઝેરી ધુમાડાથી જનજીવન પ્રભાવિત
જામ ખંભાળીયા નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ પર લાગેલી આગને કારણે ફેલાયેલો ધુમાડો અત્યંત ઝેરી હોવાથી આસપાસના વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રની ઘોર લાપરવાહીને કારણે આ સાઈટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી.













