જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામમાં ધોળા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે. ખેતી અને ગેરેજ ચલાવતા વેપારી નાથાભાઈ જીવાભાઈ કરમુરની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સો નજર ચૂકવી રોકડ રકમ ચોરી ગયા હતા.

દેવળીયા ગામમાં ધોળા દિવસે ચોરી

ગત સોમવારે બપોરના સમયે અંદાજે 25 થી 30 વર્ષની વયના બે યુવાનો નાથાભાઈના ગેરેજ પર આવ્યા હતા. તેમણે બાઇકના સ્પેરપાર્ટ્સ જેવા કે પ્લગ અને ઓઇલ ખરીદવાની પૂછપરછ શરૂ કરી હતી. વેપારી જ્યારે તેમને સામાન બતાવવામાં અને વાતચીતમાં વ્યસ્ત હતા, ત્યારે એક શખ્સે તકનો લાભ લઈને કાઉન્ટરમાં પડેલા ₹500 ના દરની નોટોના બંડલમાંથી ₹50,000નું એક આખું બંડલ સેરવી લીધું હતું.

પોલીસ કાર્યવાહી

ચોરીની જાણ થતા જ નાથાભાઈએ કલ્યાણપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે દુકાન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેના આધારે શંકાસ્પદોની ઓળખ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: કેરિયર કોચને 1 કલાક અટકાવી 'પતાવી દેવા'ની વાત કરી, અમદાવાદ પોલીસની કામગીરી સામે સવાલ