અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલું 30,000 લીટર જ્વલનશીલ MMA કેમિકલ ભરેલું ટેન્કર દાવડા બ્રીજ પાસે અચાનક કાબૂ ગુમાવતા ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર કેમિકલ લીકેજ શરૂ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
દાવડા બ્રીજ ટેન્કર પલટ્યું
મળતી માહિતી મુજબ, ટેન્કરમાં અતિ જ્વલનશીલ 'MMA' નામનું કેમિકલ ભરેલું હતું. ટેન્કર પલટી ખાતા જ તેમાંથી કેમિકલ લીકેજ થવા લાગ્યું હતું, જે મોટી આગની દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેમ હતું. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી કેમિકલને ઠંડું રાખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
