ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતા કામ કરી રહેલા શ્રમિકનું દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને શ્રમિકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરે જર્જરિત મકાન ઉતારવા માટે તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધી ન હતી. આ ઉપરાંત, જોખમી કામગીરી હોવા છતાં શ્રમિકને હેલ્મેટ કે બેલ્ટ જેવા કોઈ પણ સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા, જેના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો છે.
ડાકોર પોલીસ સ્ટેશન બહાર હોબાળો
દુર્ઘટના બાદ શ્રમિકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પરિજનોનો આક્ષેપ છે કે ડાકોર પોલીસ દ્વારા આ મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આનાકાની કરવામાં આવી રહી છે. જ્યાં સુધી બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં હોસ્પિટલ અને પોલીસ મથક બહાર તંગદિલીભર્યો માહોલ છે અને સ્થાનિકો પણ શ્રમિકના પરિવારના સમર્થનમાં આગળ આવ્યા છે. પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ પરિવાર પોતાની માંગ પર અડગ છે.
