જોગણી માતાજીના મંદિર સ્થિત નગીનાવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના 242થી વધુ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં લગ્ન, જન્મ અને મરણ જેવા પ્રસંગોએ થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકી આર્થિક રીતે પછાત વર્ગને બેઠા કરવા માટે કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે, જેનું ઉલ્લંઘન કરનાર સામે 2,51,000 સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મરણના પ્રસંગોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે
મહુધાના જોગણી માતાજીના મંદિર પરિસરમાં આયોજિત આ સંમેલનમાં સમાજના અગ્રણીઓએ મોંઘવારીના સમયમાં આર્થિક સધ્ધરતા લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દાગીનામાં મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 50 ગ્રામનું મંગળસૂત્ર અને 100 ગ્રામના ચાંદીના છડા મળી કુલ 150 ગ્રામ વજનની મર્યાદા બાંધવામાં આવી છે. સગાઈ કે અન્ય પ્રસંગોએ અપાતી માટલીઓ અને સાડીઓની પહેરામણી પણ બંધ કરવામાં આવી છે. જન્મ અને મરણના પ્રસંગોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
યુવાનોના શિક્ષણ અને કારકીર્દિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો
બાળકના જન્મ સમયે કરાતી ઓઢામણી તેમજ ભલાસ કે બાધામાં મામા પક્ષ સિવાયના તમામ પક્ષોની ઓઢામણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મરણ પ્રસંગે વહેંચવામાં આવતા વાસણો, સાડીઓનો વ્યવહાર અને સગાઓ દ્વારા લાવવામાં આવતા ફળ-ફળાદીની પ્રથા પણ સદંતર બંધ કરવામાં આવી છે. મોસાળાની રકમ 11,000 થી 51,000 ની વચ્ચે રાખવાનું નક્કી કરાયું છે. સમાજના ઉત્થાન માટે માત્ર રીત-રિવાજો જ નહીં, પણ યુવાનોના શિક્ષણ અને કારકીર્દિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કરાયું
અગ્રણીઓએ યુવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગ અને દુરુપયોગ અને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહી વિચરતી વિમુક્ત જાતિ નિગમની યોજનાઓનો લાભ લેવા અને નવી ફિલ્ડમાં કારકીર્દિ બનાવવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે હાજર જનમેદનીએ આ નવા નિયમોના પાલન માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણી જર્નાદન તળપદા, શશીકાંત તળપદા સહિત અનેક યુવાનોએ પોતાનું યોગદાન આપ્યુ હતુ.
જાનમાં ડી.જે. લઈ જવા પર પ્રતિબંધ
લગ્ન પ્રસંગના નિર્ણયો મુજબ હવે છોકરા પક્ષ તરફથી જાનમાં ડી.જે. લઈ જવા પર સદંતર પ્રતિબંધ મુકાયો છે. માત્ર છોકરી પક્ષ પોતાની સગવડ મુજબ વાજિત્રની વ્યવસ્થા કરશે અને વર પક્ષે તે સ્વીકારીને સામૈયું કરવાનું રહેશે. જો છોકરી પક્ષ પાસે વ્યવસ્થા ન હોય તો સાદાઈથી લગ્ન વિધિ આટોપવાની રહેશે. તેવો નિર્ણય કરાયો છે.









