આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ ૧૬,૩૮૦ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી.
14,690 પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે
જેમાંથી ૧૪,૬૯૦ પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે ૯૦ ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૭,૦૪૦ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી ૬,૫૩૨ પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતમાં ૪,૮૦૦માંથી ૪,૧૯૪, વડોદરામાંથી ૭૨૨માંથી ૬૪૯, રાજકોટમાંથી ૬૭૬માંથી ૫૫૩ તેમજ ગાંધીનગરમાં ૩૨૯ પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી ૩૧૩ જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે.
સૌ પ્રથમ વર્ષ 2017માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
આમ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪,૬૯૦ પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી શ્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ ૧૩,૬૩૬ કબૂતર, ૯૦૫ સમડી, ૨૮૧ કાગડા, ૧૮૦ ઢાંક, ૧૩૭ બ્લેક આઈબીસ, ૧૩૪ ઘુવડ, ૧૨૧ બગલા અને ૧૧૦ પોપટ, અન્ય ૧૮૫ સહિત કુલ ૪૧ વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ ૨૦૧૭માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયા હતા
જેમાં પ્રથમ વર્ષે ૨૦૧૭માં ૭,૩૦૧ ઘાયલ પક્ષીઓ પૈકી ૬,૫૯૭ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૨૯ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ ૯૨ ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું. રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, કરુણા અભિયાન-૨૦૨૬ને સફળ બનાવવા રાજ્યમાં અંદાજે ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૬૦ વધુ કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયા હતા.
એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર પર પણ જાણકારી મળી શકે છે
આ કેન્દ્રો પર અંદાજે ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે ખડે પગે સેવા આપી હતી. ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા ૨૪x૭ કાર્યરત રહેતી વન વિભાગની હેલ્પલાઈન ૧૯૨૬ નંબર અને વોટ્સએપ નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં વર્ષ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાવી શકાય છે.
આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં પ્રકૃતિપ્રેમ ભાગવત-કથાનું આયોજન કરાયું, "પ્રકૃતિ આપણી માં અને માં ને તો પ્રેમ જ કરાય