ઉત્તરાયણના તહેવારને આડે હવે 4 દિવસ જ રહ્યા છે.ત્યારે આકશ રંગબેરંગી પંતગોથી તો ભરાઇ જશે. પરંતુ આ આનંદ કોઇ અબોલ પક્ષી માટે જીવલેણ ન બને તે માટે ગુજરાત સરકાર સજ્જ થઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં પક્ષીઓના રક્ષણ માટે આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણ અભિયાનની જાહેરાત કરી છે.


પતંગ-દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવનું અભિયાન

દર વર્ષે પતંગની કાચ પાયેલી દોરીથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઈન અને રેસ્ક્યુ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જે પક્ષીઓ દોરીમાં ફસાઈ જાય કે ઘાયલ થાય, તેમને તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવું એ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે.

ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ

મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને તહેવારની ઉજવણી સાથે સંવેદના જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી છે. પક્ષીઓ સવારના સમયે ખોરાક માટે નીકળતા હોય છે અને સાંજે માળામાં પરત ફરતા હોય છે. આથી, સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી અને સિન્થેટિક માંજો પર્યાવરણ અને પક્ષીઓ માટે અત્યંત જોખમી છે. તેના ઉપયોગથી પક્ષીઓના પાંખ અને ગળા કપાઈ જવાની ઘટનાઓ વધુ બને છે, તેથી તેનો સદંતર ત્યાગ કરવો જોઈએ.

રાજ્યમાં ‘કરૂણા અભિયાન’ યોજાશે

તહેવારનો ઉમંગ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે આપણી ખુશીમાં કોઈનો જીવ ન જાય. ‘કરૂણા અભિયાન’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ એક સામાજિક જવાબદારી છે. જો આપને ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે, તો તાત્કાલિક નજીકના કરૂણા હેલ્પલાઈન કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Gandhinagar: સ્પીપા ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીના ચોથા વ્યાખ્યાનનું આયોજન, રાજ્યના વિકાસને વેગ આપવા મંથન


  • Follow us on: