ખેડા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા પીજ રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ઈડન ગાર્ડન સોસાયટી પાસે પસાર થતી GSPCની મુખ્ય ગેસ પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા જોરદાર અવાજ સાથે ગેસ લીક થવા લાગ્યો હતો. ગેસ ગળતરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી.

ગેસ પાઈપલાઈનમાં મોટું ભંગાણ

મળતી માહિતી મુજબ, પીજ રોડ પર આવેલી ઈડન ગાર્ડન સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે GSPCની જે મુખ્ય લાઈન પસાર થાય છે તેમાં કોઈ કારણોસર ભંગાણ પડ્યું હતું. ગેસ એટલી ઝડપથી લીક થઈ રહ્યો હતો કે તેની વાસ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ગેસ ગળતરને કારણે સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે લોકોએ તાત્કાલિક ધોરણે ગેસની અસર ઘટાડવા માટે લાઈન પર પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો.

વાહનવ્યવહાર અને પુરવઠો ખોરવાયો

ગેસ લીક થવાની ઘટનાને પગલે હાઈવે અને સોસાયટીના મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. કોઈ મોટી હોનારત ન સર્જાય તે હેતુથી સોસાયટીનો મુખ્ય માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ભંગાણને કારણે ખેડાના અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેનાથી ગૃહિણીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.

આ પણ વાંચો: Palitana: લાખોના ખર્ચે બનેલી વન વિભાગની દીવાલ એક જ વર્ષમાં તોડી પડાઈ, સરકારી નાણાંનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ