પાલિતાણામાં સરકારી તંત્ર દ્વારા જનતાના ટેક્સના પૈસાનો કેવો દુરુપયોગ થાય છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. પાંડેરીયા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર ખાતે વન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ (દીવાલ) માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

પાલિતાણામાં પ્રોટેક્શન વોલ તોડી નાખી

મળતી માહિતી મુજબ, શેત્રુંજી નદીના કિનારે આવેલા પાંડેરીયા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા અંદાજે એક વર્ષ પહેલા એક મજબૂત દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દીવાલ પાછળ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આ દીવાલના નિર્માણ બાદ ખેતીવાડીની જમીન અને હદ બાબતે ભારે વિવાદ સર્જાયો હતો.

દીવાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ

સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, વન વિભાગે જ્યારે આ દીવાલ બનાવી ત્યારે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી ન હતી. જમીન વિવાદ અને કાયદાકીય ગૂંચવણો વધતા આખરે તંત્રને નમતું જોખવું પડ્યું છે. વિવાદને થાળે પાડવા માટે વન વિભાગે પોતે જ લાખોના ખર્ચે બનાવેલી આ સરકારી દીવાલ તોડી પાડવાની ફરજ પડી છે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar: બચુનગરમાં ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત, લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી