ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હળદરવાસ વિસ્તારમાં આવેલી એક મોટી ઔદ્યોગિક કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હળદરવાસમાં આવેલી અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી 'બ્લુ બેલ પ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ' નામની કંપનીમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કિલોમીટરો દૂરથી દેખાયા ધૂમાડાના ગોટેગોટા
આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. પ્લાસ્ટિક કેમિકલ અને તૈયાર માલના કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના પરિણામે સમગ્ર ફેક્ટરી ભડભડ સળગી ઉઠી હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના ગ્રામજનો અને અન્ય એકમોમાં કામ કરતા મજૂરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે
આગની ગંભીરતાને જોતા માત્ર મહેમદાવાદ જ નહીં, પરંતુ આસપાસના અનેક શહેરોની ફાયર ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. હાલમાં નડિયાદ, અમદાવાદ, મહેમદાવાદ, કપડવંજ અને કઠલાલ સહિતના કેન્દ્રોના ફાયર બાઉઝરો અને ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા છે. ભારે જહેમત છતાં પ્લાસ્ટિક મટીરીયલને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
જાનહાનિ અંગે હજુ અનિશ્ચિતતા
આ ભીષણ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગી ત્યારે કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ ફસાયું છે કે કેમ, તે અંગેની તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે લાખો રૂપિયાનું મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો: UPSC પ્રિલિમિનરી પરીક્ષા-2026, સ્પિપા (SPIPA) દ્વારા સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન