ખેડા જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ એવા મહેમદાવાદ-મહુધા-ડાકોર આઇકોનિક રોડના કથળેલા બાંધકામ અંગે ભારે હોબાળો મચ્યા બાદ આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્ટેટ રોડ વિભાગની કડક સૂચના બાદ કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી 'એમ. એસ. ખુરાના' દ્વારા રસ્તા પર ડામર પેવરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

ધારાસભ્યોની રજૂઆત અને તપાસના આદેશ

નોંધનીય છે કે, આશરે 300 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બની રહેલા આ પ્રતિષ્ઠિત આઇકોનિક રોડની કામગીરી માત્ર ૬ મહિનામાં જ બિસ્માર થઈ ગઈ હતી. મનસ્વી રીતે રોડનું સમારકામ ન કરાતા મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આ મામલે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ ભાજપના સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સરકારે તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રોજેક્ટની તપાસના આદેશો આપ્યા હતા.

રિફલેક્ટર ગાયબ થવા અંગે સસ્પેન્સ અકબંધ

તપાસના આદેશો છૂટતા જ ખેડા જિલ્લા સ્ટેટ રોડ વિભાગ સફાળું જાગ્યું હતું અને કોન્ટ્રાક્ટર પાસે કામ શરૂ કરાવ્યું હતું. હાલમાં મહેમદાવાદથી મહુધા તરફ જતા તૂટેલા માર્ગો પર નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, રોડની મધ્યમાં વાહનોની સલામતી માટે લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના રિફલેક્ટરો ટૂંકા સમયમાં ગાયબ થઈ જવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે પેવિંગના કામની સાથે-સાથે રોડ પર સારી ગુણવત્તાવાળા નવા રિફલેક્ટર પણ લગાવવામાં આવે જેથી રાત્રિના સમયે અકસ્માતો નિવારી શકાય.

આ પણ વાંચો: Ahmedabad: બલોલનગર બ્રિજ પરથી પટકાવાના કારણે થતા મોત અટકાવવા AMCએ સેફ્ટી ગ્રિલ લગાવી