ખેડા જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે. નડિયાદ ડિવિઝન હેઠળ આવતા અલગ-અલગ ચાર પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા દારૂના જથ્થા પર વહીવટી તંત્રની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું. અંદાજે રૂપિયા 90 લાખની કિંમતની હજારો દારૂની બોટલોને કચડી નાખીને આ સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
41 ગુનાનો મુદ્દામાલ એકસાથે નષ્ટ કરાયો
ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 41 જેટલા ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓ અંતર્ગત પોલીસ ટીમોએ જુદા-જુદા સમયે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો અને છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અદાલતી પ્રક્રિયા અને નિયમોનુસાર આ જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરવા માટે વહીવટી મંજૂરી મળતાં જ આ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.













