ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ખેડા જિલ્લાના વડતાલ નજીક કણજરીમાં આવેલી 'એલીશા સ્નેક્સ' કંપનીમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 22 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. માલસામાનની હેરાફેરી દરમિયાન લિફ્ટ તૂટી પડતા આ કરૂણ બનાવ બન્યો હતો.


કેવી રીતે ઘટી દુર્ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, વડતાલ પાસેના ભૂમેલ ગામના સેવારીયા તલાવડી વિસ્તારમાં રહેતો કમલેશ મનુભાઈ પરમાર કણજરીની એલીશા સ્નેક્સ કંપનીમાં કામ કરતો હતો. ગત રોજ કંપનીમાં ગુડ્સ લોડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટેકનિકલ ખામીને કારણે અથવા ક્ષમતા કરતા વધુ ભારને લીધે માલવાહક લિફ્ટ તૂટી પડી હતી. લિફ્ટ નીચે દબાઈ જવાથી કમલેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પરિવારમાં શોક અને હોસ્પિટલમાં ટોળા

માત્ર 22 વર્ષની વયે ઘરના મોભી સમાન યુવાનના મોતના સમાચાર મળતા જ ભૂમેલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો અને ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક યુવાનના પિતાની કેફિયત અને ફરિયાદના આધારે નડિયાદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કંપનીની બેદરકારી કે અકસ્માત?

આ ઘટના બાદ કંપનીમાં સેફ્ટીના સાધનો અને લિફ્ટના મેન્ટેનન્સને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું લિફ્ટનું નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવતું હતું? શું શ્રમિકોને પૂરતી સુરક્ષા કીટ આપવામાં આવી હતી? હવે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ તપાસ હાથ ધરશે. જો કંપનીની બેદરકારી સામે આવશે તો જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે. એક ગરીબ શ્રમિકે જીવ ગુમાવ્યો છે, ત્યારે પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો - Kheda News: એસિડ એટેક કરનારી મહિલાને 5 વર્ષની સજા


  • Follow us on: