મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રસ્તા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પડોશીઓ વચ્ચે શરૂ થયેલો ઝઘડો એટલો વકર્યો હતો કે વાત ધારિયા અને ગડદાપાટુના હુમલા સુધી પહોંચી ગઈ હતી, જેમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ડભોડા ગામમાં સામાન્ય બોલાચાલીમાં હુમલો

મળતી માહિતી મુજબ, ડભોડા ગામની સીમમાં રસ્તાના પ્રશ્ને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા પડોશીઓએ ઉશ્કેરાઈને હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહિલાઓ પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો અને ગડદાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ લોહીયાળ જંગમાં સુરેખાબેન અને હંસાબેન નામની બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલામાં લોહીલુહાણ થયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ખેરાલુ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆતો અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આ હિંસક હુમલામાં સામેલ કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પુણાના ભૈયા નગરમાં વીજપોલ ધરાશાયી, પસાર થઈ રહેલા યુવકને માથામાં ગંભીર ઈજા