શહેરના પુણા વિસ્તારમાં આવેલ ભૈયા નગરમાં રાત્રિના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વર્ષો જૂનો કે જર્જરિત હાલતમાં રહેલો એક વીજપોલ અચાનક ધરાશાયી થતા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ યુવક પર પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

માથાના ભાગે ગંભીર ઈજાઓ

મળતી માહિતી મુજબ, રાતના સમયે જ્યારે એક યુવક ભૈયા નગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ વીજ પોલ તેના માથા પર આવી પડ્યો હતો. થાંભલો સીધો માથા પર પડતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે ઊંડા ઘા હોવાથી ટાંકા લેવા પડ્યા છે, જોકે હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ

આ ઘટનાને પગલે ભૈયા નગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા થાંભલાઓની જાળવણી કરવામાં આવતી નથી. અનેક થાંભલાઓ જર્જરિત હાલતમાં હોવા છતાં તેને બદલવામાં આવતા નથી, જેના કારણે આજે આ મોટી હોનારત સર્જાઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ ઘટના સમયે કોઈ બાળક કે વધુ લોકો ત્યાં હાજર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

આ પણ વાંચો: Surat: ચૂંટણીના કારણે યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈ, 25 થી 28 એપ્રિલની તારીખમાં ફેરફાર