ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર પોલીસને એક મોટી સફળતા મળી છે. લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલા રીઢા 'બાહુબલી' મુકાદમને પોલીસે મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે અત્યંત ગુપ્તતા અને સાહસનો પરિચય આપ્યો છે.
ત્રણ વખત પોલીસને આપી હતી હાથતાળી
આરોપી એટલો શાતિર હતો કે અગાઉ ત્રણ વખત પોલીસ તેને પકડવા નજીક પહોંચી હતી, પરંતુ તે હાથતાળી આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં પોતાની સ્થાનિક રાજકીય વગ અને 'બાહુબલી' છાપના કારણે પોલીસને ત્યાં સફળતા મળતી ન હતી.
કોડીનાર પોલીસનો વેશ પલટો
આ વખતે કોડીનાર પોલીસના પીઆઈ (PI) એમ.કે. વણારકાની રાહબરીમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે નવી રણનીતિ અપનાવી અને મહારાષ્ટ્ર પહોંચીને પોલીસનો ગણવેશ ત્યાગી વેશ પલટો કર્યો હતો. સતત 4 દિવસ સુધી આરોપીની હિલચાલ પર ગુપ્ત રીતે રેકી કર્યા બાદ, જ્યારે યોગ્ય તક મળી ત્યારે પોલીસે તેને આબાદ રીતે દબોચી લીધો હતો.
મુકાદમ છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ
ઝડપાયેલો મુકાદમ લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. તે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને કાયદાથી બચતો ફરતો હતો. હાલમાં કોડીનાર પોલીસ તેને ગીર સોમનાથ લઈ આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: Surat: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, બીજા માળે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું