સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ માર્કેટ-1 માં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમેલા દરવાજા પાસે આવેલી આ માર્કેટના બીજા માળે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

9 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગની ગંભીરતાને જોતા અલગ-અલગ ફાયર સ્ટેશનથી કુલ 9 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર કેનન દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

માર્કેટના બીજા માળે કોઈ દુકાનમાં લાગી આગ 

પ્રાથમિક માહિતી અનુસાર, આગ મિલેનિયમ માર્કેટના બીજા માળે કોઈ દુકાનમાં લાગી હતી, જે જોતજોતામાં બાજુની દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કાપડનો મોટો જથ્થો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

રેસ્ક્યુ ઓપરેશન અને ટ્રાફિક

કેમેલા દરવાજા પાસે માર્કેટમાં આગ લાગતા રિંગ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા રસ્તાઓ ખાલી કરાવીને ફાયર ફાઈટરોને રસ્તો કરી આપવામાં આવ્યો હતો. માર્કેટમાં હાજર લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો: Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCE ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો