કચ્છમાં ક્રિકેટ સટ્ટાના શોખીનો અને બુકીઓ પર પોલીસે ધોંસ બોલાવી છે. ભુજ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ બાતમીના આધારે માધાપર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને IPLની મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા ત્રણ બુકીઓને રંગેહાથ ઝડપી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાના સટ્ટાના સોદાના હિસાબો પણ મળી આવ્યા છે.
દિલ્હી અને મુંબઈની મેચ પર લાગતો હતો દાવ
મળતી વિગતો મુજબ, ગતરોજ રમાયેલી દિલ્હી કેપિટલ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પર આ બુકીઓ દાવ લગાડી રહ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓએ કુલ 55.25 લાખ રૂપિયાના સોદા બુક કર્યા હતા. આ બુકીઓ અત્યાધુનિક ગેજેટ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
