કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત મોડી રાત્રે જ્યારે સમગ્ર જિલ્લો ગાઢ નિદ્રામાં હતો, ત્યારે વાગડ વિસ્તારની ધરતી ફરી એકવાર ધ્રૂજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના સેન્ટર પર નોંધાયેલી વિગતો અનુસાર, રાત્રે 1 વાગ્યાને ૫૯ મિનિટે કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભચાઉ નજીક જ નોંધાયું કેન્દ્રબિંદુ

આ હળવા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી અંદાજે ૧૪ કિલોમીટર દૂર નોંધાયું છે. કેન્દ્રબિંદુ જમીનની અંદર ઓછી ઊંડાઈએ હોવાના કારણે ભચાઉ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કંપનનો સ્પષ્ટ અહેસાસ થયો હતો. અચાનક વાસણો અવાજ કરવા લાગતાં અને પલંગ ધ્રૂજતા કેટલાક સ્થાનિક નાગરિકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

લોકોએ રાહતનો શ્વાસ લીધો

કચ્છમાં વર્ષ 2001 ના વિનાશક ભૂકંપ બાદથી નાની તીવ્રતાના આંચકા આવવા સામાન્ય બાબત બની ગઈ છે, તેમ છતાં જ્યારે પણ પારો ૩ કે તેથી વધુ વટાવે ત્યારે લોકોમાં થોડો ફફડાટ જરૂર વ્યાપી જાય છે. જોકે, રાહતની વાત એ છે કે આંચકો ખૂબ જ ટૂંકા સમય માટેનો હતો અને તેની તીવ્રતા મધ્યમ હોવાથી જિલ્લામાં ક્યાંય પણ કોઈ મકાનને નુકસાન થયું નથી કે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: પવનની દિશા બદલાતાં ભેજ ઘટ્યો, રાત્રે પણ વાતાવરણ ગરમ રહેશે