કચ્છ જિલ્લાના ભુજની સ્પેશિયલ કોર્ટ દ્વારા બાળ સુરક્ષા અને ન્યાય પ્રણાલીને મજબૂત કરતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સાડા પાંચ વર્ષના એક માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીને ભુજ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભૂજ કોર્ટના આ કડક વલણથી વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી
ઘટનાની મળતી વિગતો અનુસાર, આ સનસનીખેજ અને કમકમાટીભરી ઘટના વર્ષ 2025માં બની હતી. આ મામલે ભુજ તાલુકાના પ્રાગપર પોલીસ મથકે આરોપી બળદેવપુરી ગુંસાઈ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સાડા પાંચ વર્ષના નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાગપર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.













