ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકો વિરૂદ્ધ પોલીસે હવે એક મોટું અને કડક અભિયાન શરૂ કર્યું છે. પૂર્વ કચ્છ અને રાજકોટ પોલીસ દ્વારા સંયુક્ત રીતે અલગ-અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રાઇવને પગલે શંકાસ્પદ રીતે રહેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પૂર્વ કચ્છમાં 'ઓપરેશન બાંગ્લાદેશી'

પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ દ્વારા 'ઓપરેશન બાંગ્લાદેશી' અંતર્ગત ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર જેવા ઔદ્યોગિક અને સરહદી વિસ્તારોમાં પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી હતી.

35 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત

પોલીસે આ વિસ્તારોમાં આવેલી વિવિધ કંપનીઓ, બાંધકામ સાઇટો અને ઝુંપડપટ્ટીઓમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન 35 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ તમામ શંકાસ્પદોના દસ્તાવેજો અને આઈડી પ્રૂફની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ પણ નાગરિક ગેરકાયદેસર વસવાટ કરતો જણાશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

રાજકોટમાં 'ઓપરેશન ડેલ્ટા હંટ'

બીજી તરફ રાજકોટ શહેરમાં પણ પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓ પર ત્રાટકવા માટે 'ઓપરેશન ડેલ્ટા હંટ' શરૂ કર્યું છે. આ ઓપરેશનને અંજામ આપવા માટે પોલીસે અલગ-અલગ 10 ટીમો બનાવીને વિવિધ વિસ્તારો ખંખોળ્યા હતા.

5 બાંગ્લાદેશી ઝડપાયા

આ ઓપરેશન દરમિયાન પોલીસે 11 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરી હતી, જેમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ગયા છે. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો શંકાસ્પદ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને સમગ્ર અહેવાલ અને ઝડપાયેલા બાંગ્લાદેશીઓ અંગેની વિગતો રાજ્યના ગૃહ વિભાગને મોકલી આપી છે. હાલ અન્ય શંકાસ્પદ લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે.


આ પણ વાંચો - Surat : ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની મેગા ડ્રાઇવ, GIDC વિસ્તારો ધમરોળ્યા