ધંધુકામાં થયેલી યુવકની હત્યાનો મામલો હવે ગરમાઈ રહ્યો છે. આ ઘટના અંગે કચ્છના મહંત દેવનાથ બાપુએ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ, હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ કરેલી તોડફોડ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવનાથ બાપુની આકરી પ્રતિક્રિયા
ધંધુકાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં જેહાદી તત્વોનું મનોબળ વધી ગયું છે. જો ઉત્તર પ્રદેશની યોગી સરકાર જેવી કડક કાર્યવાહી અહીં થઈ હોત, તો ધર્મેશ ભરવાડની હત્યા કરવાની કોઈની હિંમત ન ચાલત." તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા તત્વોનું મનોબળ તોડવા માટે એન્કાઉન્ટર કરવા ખૂબ જરૂરી છે. જો એન્કાઉન્ટર નહીં કરવામાં આવે તો હિન્દુઓની હત્યાઓનો સિલસિલો અટકશે નહીં.
125 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો
ધર્મેશ ગમારાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા 100 થી 125 લોકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે બજારમાં નીકળીને દુકાનો, હોટલો, લારીઓ અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ હિંસક ઘટના મામલે ધંધુકા પોલીસ સ્ટેશનના PSI હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે અને બેકાબૂ ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હત્યા બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. તોડફોડ કરનારા તત્વોની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરવામાં આવી રહી છે. હાલ ધંધુકામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, પરંતુ દેવનાથ બાપુના નિવેદન બાદ આ મુદ્દો રાજ્યકક્ષાએ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Local Body Elections 2026: ધારાસભ્ય કેતન ઇનામદારની ઉમેદવારોને ખુલ્લી ચેતવણી, કામ નહીં કરો તો રાજીનામું આપવા તૈયાર રહેજો