ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે કચ્છના સામખિયાળીમાં દારૂડિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામખિયાળીના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે એક નશામાં ધૂત બાઈકચાલકે ભારે હોબાળો મચાવ્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જ્યો હતો.


નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સામખિયાળીના વ્યસ્ત એવા જૂના બસ સ્ટેશન પાસે એક બાઈકચાલક દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેણે રસ્તા પરથી પસાર થતા અનેક લોકોને હડફેટે લીધા હતા. આટલેથી ન અટકતા, આ બેફામ બનેલો ચાલક પોતાની બાઈક લઈને સીધો જ એક ચાલતા ટ્રેક્ટરમાં ઘૂસી ગયો હતો. સદનસીબે ટ્રેક્ટરની ગતિ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું

બાઈક ટ્રેક્ટર નીચે ફસાઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ નશાખોર બાઈકચાલકને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢ્યો હતો. આ ઘટના દરમિયાન લોકોએ દારૂડિયાની કરતૂતોનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કાયદો અને વ્યવસ્થા પર સવાલ

જાહેરમાં આ રીતે નશો કરીને વાહન ચલાવતા તત્વોને કારણે નિર્દોષ રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ ઉઠી છે. વાયરલ વીડિયોના આધારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો - Kutch News: કંડલા હાઈવે પર ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત


  • Follow us on: