રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કંડલા હાઈવે પાસે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો છે. ભારેભરખમ ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં બાઈક પર સવાર પિતા અને પુત્ર બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.


ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો

પિતા-પુત્ર પોતાના ટુ-વ્હીલર પર કંડલા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. એક જ પરિવારના બે સભ્યોના એકસાથે મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભારે વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: