કચ્છના વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરી નજીવો દંડ ભરીને ગાડી છોડાવવા પ્રયાસ કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે. વાયોર પોલીસે બનાવ અંગે બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારને અમીન રાવલ જત નામનો ૧૫ વર્ષનો કિશોર હંકારતો હતો
મળતી વિગતો મુજબ ગત ૨૬-૦૯-૨૦૨૫ના રોજ વાયોર પોલીસે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી GJ-12 CG-9854 નંબરની સ્કોર્પિયો કારને અટકાવી હતી. કારને અમીન રાવલ જત નામનો ૧૫ વર્ષનો કિશોર હંકારતો હતો. તેની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે વાહનને લગતી આરસી બૂક સહિતના કોઈ કાગળિયાં નહોતા.કારની પાછળ નંબર પ્લેટ પણ નહોતી. જેથી પોલીસે મોટર વેહિકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ કારને જપ્ત કરી મેમો આપ્યો હતો.
દંડ ભર્યાની રસીદ રજૂ કરીને ગાડી છોડાવવા આવ્યો
આ મેમો આરટીઓ કચેરીમાં રજૂ કરી, નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની હતી.જો કે ગાડી ડીટેઈન કર્યાના ત્રીજા દિવસે વાયોર પોલીસ મથકે તે જ કિશોર આરટીઓમાં ૧૫૦૦ રૂપિયાનો દંડ ભર્યાની રસીદ રજૂ કરીને ગાડી છોડાવવા આવ્યો હતો.
ઈન્ચાર્જ પીઆઈ કે.વી. ડાંગરને શંકા ગયેલી
રસીદને જોઈને ઈન્ચાર્જ પીઆઈ કે.વી. ડાંગરને શંકા ગયેલી કારણ કે, જે નિયમોના ભંગ બદલ કાર ડીટેઈન કરાયેલી તે નિયમોના ભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ પાંચ સાત હજારથી વધુ થતી હતી. જેથી તેમણે રસીદ જમા લઈને, સ્ટેશન ડાયરીમાં નોંધ પાડીને કારને છોડી નહોતી.
દયાપર પોલીસ સ્ટેશનનો નકલી મેમો રજૂ કરાયો
પોલીસ તપાસમાં ભુજ RTO કચેરીમાં વાયોર પોલીસના ડીટેઈન મેમોના બદલે દયાપર પોલીસ સ્ટેશનનો નકલી મેમો રજૂ કરાયો હતો. દંડની રકમ ઓછી ભરવા માટે ષડયંત્ર રચીને, આરટીઓમાં દયાપર પોલીસ મથકનો નકલી સહી સાથેનો બનાવટી મેમો આરટીઓમાં રજૂ કર્યો હતો.
પોલીસ તપાસ શરુ
હવે બંને સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથેજ આરોપી પાસે દયાપર પોલીસનો સ્ટેમ્પ ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે....
આ પણ વાંચો----Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું