કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પુનરાજપર ગામ પાસે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા સૂચિત લિગ્નાઈટ માઈનિંગ પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને લખપતથી માતાના મઢ સુધી 'ન્યાય યાત્રા' યોજી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
લિગ્નાઈટ માઈનિંગ પ્રોજેક્ટ સામે મોરચો માંડ્યો
ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટના કારણે અંદાજે 3000 હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન અસરગ્રસ્ત બનશે. આ મામલે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી અને પદયાત્રા કાઢી સરકાર અને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
જમીન સંપાદન કરતા પહેલા માલિકીની જમીનમાં રહેલા ખનીજ (લિગ્નાઈટ અને લાઈમ સ્ટોન)નું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવે. જમીનમાં બે પ્રકારના ખનીજો હોવાથી 'ડબલ ખનીજ'ના જથ્થા મુજબ ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર ચૂકવવામાં આવે. પુનરાજપર ગામનું પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી માઈન્સની કોઈ પણ કામગીરી શરૂ ન કરવામાં આવે.
આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી
ગ્રામજનોનું કહેવું છે કે આ અંગે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક નિર્ણય લેવાયો નથી. જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: આજી નદીના પટમાં 80,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા RMCનું મેગા સર્જિકલ સ્ટ્રાઈક