કચ્છ જિલ્લામાં ગુનેગારો દ્વારા સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર તંત્રની તરાપ યથાવત છે. ગાંધીધામના કિડાણા વિસ્તારમાં વધુ એક રીઢા આરોપી સામે લાલ આંખ કરવામાં આવતા, આરોપીએ સ્વૈચ્છિક રીતે પોતાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે.

105 ચોરસ ફૂટનું દબાણ તોડાયું

કિડાણાના20રહેવાસી શબ્બિર સુલેમાન કાનગડાએ પોતાના રહેણાંક મકાનની આગળ જાહેર રોડ પર આશરે 105 ચોરસ ફૂટ જેટલી જમીન પર પાકું દબાણ કરી બાંધકામ ખડકી દીધું હતું. આ દબાણ જાહેર માર્ગ પર હોવાથી અવરજવરમાં પણ અવરોધ ઉભો થતો હતો. તંત્રના કડક વલણને જોઈને અંતે આરોપીએ પોતે જ આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

ગુનાહિત ઈતિહાસ

નોંધનીય છે કે, દબાણ કરનાર આરોપી શબ્બિર કાનગડા સામે અગાઉ પણ પોલીસ ચોપડે શરીર સંબંધી અને મિલકત સંબંધી ત્રણ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લામાં અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ અન્ય દબાણકર્તાઓ સામે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો - Kutch : કોટેશ્વર નજીક પડાલા ક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSFએ સમગ્ર વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું