કચ્છના રાજકારણમાં ખળભળાટ મચાવનાર પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ભચાઉ કોર્ટે આ કેસમાં ભાનુશાળી સમાજના અગ્રણી અને જાણીતા સામાજિક કાર્યકર મનજી બાપુને આરોપી બનાવવાની અરજી ગ્રાહ્ય રાખી છે.
જયંતિ ભાનુશાળી હત્યા કેસ નવો વળાંક આવ્યો
જયંતિ ભાનુશાળી હત્યા કેસની ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી દરમિયાન, મનજી બાપુને આ ગુનામાં આરોપી તરીકે સામેલ કરવા માટેની અરજી ભચાઉ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેને મંજૂર કરી છે. આ સાથે જ કોર્ટે મનજી બાપુને સમન્સ પાઠવીને નિયત તારીખે કોર્ટમાં હાજર થવા માટે કડક ફરમાન કર્યું છે.
કોણ છે મનજી બાપુ?
મનજી બાપુ કચ્છના ભાનુશાળી સમાજના પ્રભાવશાળી આગેવાન માનવામાં આવે છે. તેઓ રાતા તળાવ સ્થિત જાણીતી પાંજરાપોળના સ્થાપક પણ છે. સામાજિક ક્ષેત્રે મોટું કદ ધરાવતા મનજી બાપુનું નામ આ હાઈપ્રોફાઈલ હત્યા કેસમાં આરોપી તરીકે જોડાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેસની પૃષ્ઠભૂમિ
ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ પણ અનેક રાજકીય અને સામાજિક હસ્તીઓના નામ ખૂલ્યા હતા અને લાંબા સમયથી તેની તપાસ ચાલી રહી છે. હવે મનજી બાપુને આરોપી બનાવવામાં આવતા આ કેસની તપાસ વધુ તેજ બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો: નવા વર્ષે ગુજરાતમાં યોગ ક્રાંતિ, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લાખો લોકો YouTube LIVE દ્વારા ‘સૂર્યનમસ્કાર’થી વર્ષ 2026ને વધાવશે