કચ્છ યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે સતત નવા આયામો સર કરી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો મુખ્ય વિષય એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન રાખવામાં આવ્યો છે, જેનો આજથી વિધિવત પ્રારંભ થયો છે.


વૈશ્વિક નિષ્ણાતોનું માર્ગદર્શન

આ કાર્યશાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોની પ્રતિષ્ઠિત કંપનીઓના ટેકનિકલ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા છે. આ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને વૈશ્વિક સ્તરે વપરાતી આધુનિક મશીનરી વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે.

અદ્યતન સાધનોની પ્રાયોગિક તાલીમ

વર્કશોપ દરમિયાન સંશોધકોને માત્ર પુસ્તકિય જ્ઞાન જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં GC-MS, FTIR અને XRD જેવા જટિલ સાધનોનું સંચાલન.HPLC, SEM-EDX જેવી ટેકનોલોજી દ્વારા પદાર્થોનું વિશ્લેષણ.એક જ મશીનરીનો ઉપયોગ અલગ-અલગ સંશોધન ક્ષેત્રોમાં કેવી રીતે કરી શકાય તેની વિશેષ માહિતી આપવામાં આવશે.

આયોજનનો મુખ્ય હેતુ

યુનિવર્સિટીના આ પ્રયાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં વપરાતી અત્યાધુનિક પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે. જ્યારે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો પાસેથી પ્રત્યક્ષ શીખે છે, ત્યારે તેમના સંશોધનની ગુણવત્તામાં વધારો થાય છે. આ છ દિવસ દરમિયાન સહભાગીઓને થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને પાસાઓ પર પ્રભુત્વ મેળવવાની તક મળશે, જે ભવિષ્યમાં તેમના કરિયર અને વૈજ્ઞાનિક શોધખોળો માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે.

આ પણ વાંચોઃ Vadodara: મોટા ફોફળીયામાં સત્તાજંગ, સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો ફરી એકવાર ફિયાસ્કો


  • Follow us on: