કચ્છ જિલ્લાના માંડવીમાં શેરડી-મંજલ રોડ નજીક આવેલા તળાવમાં ડૂબી ગયેલી એક અજાણી મહિલાનો મૃતદેહ બે દિવસની સઘન શોધખોળ બાદ અંતે મળી આવ્યો છે. ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે સતત જહેમત ઉઠાવી મહિલાની લાશને બહાર કાઢી હતી. બે દિવસ પહેલા શેરડી-મંજલ રોડ પાસેના તળાવમાં એક મહિલા ડૂબી હોવાની માહિતી મળતા જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ભુજ ફાયર ટીમને મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો
તળાવના ઉંડા પાણીમાં મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલી આ શોધખોળના અંતે આજે મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ મહિલા કોણ છે અને તળાવમાં કયા સંજોગોમાં ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મહિલાની ઓળખ મેળવવા અને આત્મહત્યા કે અકસ્માત તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.













