ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છની દરિયાઈ જળસીમામાં ફરી એકવાર પાકિસ્તાની બોટની ઘુષણખોરી સામે આવી છે. ભારતીય સીમામાં આવેલી આ બોટને ઝડપી લેવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સફળ ઓપરેશન પાર પાડીને આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી છે. આ બોટમાં સવાર 11 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ
કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરતી એક પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડી છે. આ બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. આ બોટ કચ્છ નજીકની ભારતીય દરિયાઈ હદમાંથી ઝડપાઈ છે. કોસ્ટગાર્ડે આ સમગ્ર મામલે બોટ અને માછીમારો પાસેથી વિગતવાર વધુ તપાસ હાથ ધરી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ માછીમારો માત્ર ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે તેમનો કોઈ અન્ય ઇરાદો હતો.













