કચ્છના મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સરકારી ગૌચર જમીન પર લાંબા સમયથી જમાવાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે રેવન્યુ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાગપર પોલીસ અને રેવન્યુ વિભાગની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વવાર ગામના સર્વે નંબર 270 માં આવેલી ગૌચરની જમીન પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો હતો.


વવારમાં ગૌચરની જમીન પરનું દબાણ હટાવ્યું

તંત્ર દ્વારા આશરે 19.5 એકર જેટલી વિશાળ જમીન પરથી દબાણો હટાવી તેને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે. બજાર કિંમત મુજબ આ જમીનની અંદાજિત કિંમત રૂ.1,95,00,000 (આશરે 2 કરોડ) જેટલી આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રાગપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સર્વે નંબર 270 ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ હતું

રેવન્યુ વિભાગના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીન વડે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૌચરની જમીન એ પશુઓના ઘાસચારા માટે અનામત હોય છે અને તેના પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેવાની શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: