કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસે આવેલી એક પ્લાયવુડની કંપનીમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
મશીનરી અને રો-મટીરિયલ બળીને ખાખ
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્લાયવુડ બનાવવાની આ કંપનીમાં આગ લાગવાને કારણે અંદર રહેલું મોટાભાગનું રો-મટીરિયલ અને ઉત્પાદન માટે વપરાતી મોંઘીદાટ મશીનરી આગમાં લપેટાઈ ગઈ હતી. પ્લાયવુડ જ્વલનશીલ હોવાને કારણે આગે ખૂબ જ ઝડપથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન
આગની જાણ થતા જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે અન્ય ફાયર સ્ટેશનોની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી છે. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જાનહાનિના સમાચાર નથી
સદનસીબે, આ લખાય છે ત્યાં સુધી આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. કંપનીના કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.
આ પણ વાંચો: PM Modiએ હૈદરાબાદમાં સંબોધન દરમિયાન જનતાને કરી અપીલ, કહ્યું 'એક વર્ષ સુધી સોનાની ખરીદી ના કરે લોકો'