ગાંધીધામ નજીક આવેલા અંતરજાળ ગામમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતા બે લોકો દાઝી જવાથી ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે 5 વાગ્યે સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, અંતરજાળ પાસે આવેલી મંગળ વિલા સોસાયટીના એક મકાનમાં વહેલી સવારે આશરે ૫ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રસોડામાં ગેસ લીકેજ હોવા છતાં તેની જાણ ન થતા આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખા રૂમને લપેટમાં લઈ લીધો હતો.
બે લોકો દાઝ્યા, સારવાર હેઠળ
આગ લાગવાની આ ઘટના વખતે મકાનમાં હાજર બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરી
ઘટનાની જાણ થતા જ ગાંધીધામ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાને પગલે વહેલી સવારે સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો: Ahmedabad: વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રી જીતુ વાઘાણીના આદેશ