સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના એક ઝવેરીને વિશ્વાસમાં લઈ, સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ભુજના બે શખ્સોએ 61,00,000 ની છેતરપિંડી આચરી છે. આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ
આશરે દોઢ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં ઠગબાજોએ રાજસ્થાનના ઝવેરીનો સંપર્ક કર્યો હતો. તેઓએ બજાર ભાવ કરતા 10% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે ઝવેરીને ભુજ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં 'અંકલ' સાથે બેઠક કરાવીને એક સાચું સોનાનું બિસ્કિટ બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ ₹61 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
